પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે. શનિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ‘અમે કોઈપણ કિંમતે આતંકવાદીઓને મદદ કરનારાઓને છોડીશું નહિ. આવા લોકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોનકાલ્વેસ લોરેન્કોને મળ્યા દરમિયાન આ કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ સંયુક્ત પત્રકાર કોન્ફરન્સમાં કહ્યું કે 38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપશે એટલું જ નહીં પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવી રહી છે.
આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પીએમ મોદીએ તાજેતરના પહલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'અમે એકમત છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. અમે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરહદ પારના આતંકવાદ સામેની લડાઈમાં અંગોલાના સમર્થન બદલ હું તેમનો આભાર માનું છું.’ વડાપ્રધાન મોદીની આ ટિપ્પણીના થોડા કલાકો પહેલા વાણિજ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત હવે પાકિસ્તાનથી કોઈ આયાત-નિકાસ કરશે નહીં. પહલગામ આતંકવાદી હુમલાને કારણે ભારતે પહેલા ડાઈરેક્ટ ટ્રેડ બંધ કરી દીધો હતો.
પરંતુ હવે સરકારે તમામ પ્રકારના ઇનડાઈરેક્ટ ટ્રેડને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારનો આ નિર્ણય પાકિસ્તાન માટે મોટા ફટકા જેવો છે. વાણિજ્ય મંત્રાલય હવે એવા ઉત્પાદનોની યાદી પણ તૈયાર કરી રહ્યું છે જે હવે ભારતમાંથી આયાત કે નિકાસ કરવામાં આવશે નહીં. વાણિજ્ય મંત્રાલયે આ આદેશ અંગે એક સૂચના પણ બહાર પાડી છે. આ સૂચના અનુસાર, ભારતે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી થતી તમામ ચીજવસ્તુઓની સીધી અને પરોક્ષ આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પહલગામ હુમલા બાદ ભારતે વાઘા-અટારી ક્રોસિંગ પહેલાથી જ બંધ કરી દીધું હતું. આ એકમાત્ર રસ્તો હતો જેના દ્વારા બંને દેશો વચ્ચે વેપાર થતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500