ગાંધીનગર જિલ્લાના દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરીની ઘટના બહાર આવી છે. બનાવ અંગે દહેગામ પોલીસે ૪૭,૫૦૦/-નો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, દહેગામ તાલુકાના હાથીજણ ગામમાંથી ટોળકી દ્વારા પશુઓ ચોરી જવાની ઘટના બહાર આવી છે. ગામના રામજી મંદિર ફળિયામાં રહેતા ખેડૂત કિંજલભાઈ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ તેઓ પોતાના પશુઓને હિંગળાજની મુવાડી જતા રોડ પર આવેલા પોતાના ખેતરમાં બોરકૂવા પાસે બાંધે છે.
ગત ૩૦ એપ્રિલની સાંજે તેમણે અને તેમની પત્ની કોમલબેને પશુઓને ચારો નાખ્યો હતો. રાત્રે સાડા આઠ વાગ્યે કિંજલભાઈ કૂતરાઓને રોટલી નાખવા ગયા ત્યારે બધા પશુઓ બંધાયેલા હતા. ત્યારબાદ તેઓ તેમના મોટા ભાઈની મરણતિથિના ભજન કાર્યક્રમમાં ગયા હતા. બીજા દિવસે સવારે છ વાગ્યે જ્યારે તેઓ પશુઓને દોહવા ગયા, ત્યારે ત્રણ પાડીઓ ગાયબ હતી. જેમાં ત્રણ વર્ષની એક ગાભણ પાડી, અઢી વર્ષની એક ગાભણ પાડી અને દોઢ વર્ષની એક પાડીનો સમાવેશ થાય છે. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં પશુઓ મળ્યા નહીં. વધુમાં ટ્રેકટરની બેટરી પણ ચોરાઈ ગઈ હતી. જેનાં પગલે દહેગામ પોલીસે ૪૭,૫૦૦/-ની કિંમતની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500