ભારતીય હવામાન વિભાગે પૂર્વ ભારતમાં માટે ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીએ કહ્યું છે કે, આવતીકાલે પૂર્વ ભારતમાં લૂની નવી લહેર શરૂ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ બની શકે છે. પૂર્વોત્તર ભારતમાં 11 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે ગુજરાતમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મહાનિદેશકએ કહ્યું કે, મે મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન હોઈ શકે છે, પરંતુ વરસાદના કારણે ગરમીથી રાહત મળી શકે છે. આ વખતે દેશનાં મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે, જોકે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોને આમાંથી મુક્તિ મળી શકે છે. ઉત્તરપ્રદેશમાં ભારે પવન અને સામાન્ય વરસાદની સિસ્ટમ પૂર્ણ થયા બાદ હવે તડકો અને ગરમ હવાઓ શરૂ થઈ ગઈ છે.
હવે રાજ્યના લોકોએ મે મહિનામાં અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તરપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, અહીં કેટલાક જિલ્લાઓ સિવાય અન્ય ભાગોમાં થોડા દિવસો સુધી હવામાન સૂકું રહેવાનું છે. ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે. રાજ્યની વાત કરીએ તો આવતીકાલે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના ડેટા મુજબ, રાજ્યમાં આજે સવારે 10થી બપોરના 12 વાગ્યામાં અમદાવાદના બાવળામાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ અને છેલ્લા 6 કલાકમાં ખંભાતમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500