રાજ્યમાં વણનોતરેલા અતિથિ જેમ આવેલા કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મંગળવારે 103 તાલુકામાં માવઠું પડ્યું હતું. જેમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં 6 ઈંચ સહિત કુલ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય 40 જેટલા તાલુકામાં અડધા ઈંચથી પણ વઘુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એવામાં હવામાન વિભાગે બુધવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં 8 વાગ્ચા સુધીમાં આણંદમાં સૌથી વધુ 2.28 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ સિવાય નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘરાજાનો કહેર યથાવત હતો. બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવતાં એક જ દિવસમાં 19 વ્યક્તિના મોત થયા છે. જેમાં ચાર વ્યક્તિએ ઝાડ, 3 વ્યક્તિએ વીજળી, 3 વ્યક્તિએ ઝાડ , બે વ્યક્તિએ હોર્ડિંગ જ્યારે અન્ય બે વ્યક્તિએ મકાન-દીવાલ પડવાથી જીવ ગુમાવ્યો હતો. ભાવનગરના મહુવામાં બપોરે 12 થી 2 દરમિયાન સામાન્ય ઝાપટાં પડ્યા હતા.
ત્યારબાદ માવઠાએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું. જેમાં બપોરે 4 થી 6માં 2.60 જ્યારે સાંજે 6 થી 8માં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ, ચોમાસામાં પણ ભાગ્યે જ પડે તેવો વરસાદ ગણતરીના કલાકોમાં મહુવામાં ખાબક્યો છે. આ સિવાય અમરેલીના લાઠીમાં 2.50, સાવરકુંડલામાં 2.15, લિલિયામાં 2, અમરેલી શહેરમાં 1.85, બાબરામાં 1.70 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં 1 ઈંચથી વઘુ વરસાદ નોંધાયો તેમાં રાજકોટના ગોંડલ, બનાસકાંઠાના થરાદ, અમરેલીના રાજુલાનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500