કેદારનાથ ધામમાં બાબા કેદારના દર્શન માટે 2 મે’ના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. યાત્રા કંટ્રોલ રૂમ રુદ્રપ્રયાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ દિવસે સાંજે 7:00 વાગ્યે કુલ 30,154 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. તેમાં 19,196 પુરુષ, 10,597 મહિલાઓ અને 361 બાળકો સામેલ હતા. જોકે આ દિવસે કોઈ પણ વિદેશી શ્રદ્ધાળુ નહોતા આવ્યા. શ્રદ્ધાળુઓની આ સંખ્યા તીર્થ યાત્રાની વધતી આસ્થાને દર્શાવે છે. બીજી તરફ 2 મે’ના રોજ યમુનોત્રીમાં 112 શ્રદ્ધાળુ અને ગંગોત્રીમાં 7,408 શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પ્રખ્યાત જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરના કપાટ શુક્રવારે સવારે ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા, જેમાં 12,000થી વધુ ભક્તો હાજર રહ્યા હતા.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધિકારીઓએ જણાવ્યું કે, સમુદ્રની સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત મંદિરના કપાટ 2 મે’ના રોજ સવારે 7:00 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ પાવન અવસર પર મંદિરને 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જેમાં ગુલાબ અને ગલગોટા સહિત 54 પ્રકારના ફૂલો સામેલ હતા. આ ફૂલો નેપાળ, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોમાંથી લાવવામાં આવ્યા હતા. ચાર ધામ યાત્રાના ચાર મંદિરોમાંથી કેદારનાથ સૌથી વધુ ભક્તોને આકર્ષિત કરે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી 11મું છે.
BKTCના મીડિયા ઈન્ચાર્જ જણાવ્યું કે, કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની પ્રક્રિયા સવારે 5:00 વાગ્યે શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન રાવલ (મુખ્ય પૂજારી) ભીમાશંકર લિંગ, પૂજારી બગેશ લિંગ, કેદારનાથના ધારાસભ્ય આશા નૌટિયાલ, રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવાર, BKTCના સીઈઓ વિજય પ્રસાદ થપલિયાલ, તીર્થ પૂરોહિત શ્રીનિવાસ પોસ્ટી, અન્ય ધાર્મિક આચાર્યો વેદપાઠી મંદિરના પૂર્વ દ્વારાથી ગર્ભગૃહની પૂજામાં સામેલ થયા હતા. આ વખતે શ્રદ્ધાળુઓ માટે એક નવી શરૂઆત કરવામાં આવી છે.
મંદિરની પાસે મંદાકિની અને સરસ્વતી નદીઓના સંગમ પર એક ભવ્ય ‘આરતી’નું આયોજન કરવામાં આવશે, જે વારાણસી, હરિદ્વાર અને ઋષિકેશની ગંગા આરતીની જેમ થશે. તમને જણાવી દઈએ કે, આ અવસર પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા અને કપાટ ખોલ્યા પછી સૌપ્રથમ પૂજા-અર્ચના કરીને રાજ્ય અને દેશવાસીઓની સુખ-સમૃદ્ધિની કામના કરી. દર વર્ષે ભારત અને વિદેશથી લાખો ભક્તો કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચે છે. શિયાળામાં મંદિર બંધ રહે છે. ચારધામ સર્કિટમાં આ ત્રીજું મંદિર છે, જેના કપાટ શિયાળાની રજાઓ બાદ ખોલવામાં આવ્યા છે. અગાઉ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ 30 એપ્રિલે ખોલવામાં આવ્યા હતા, જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 4 મે’ના રોજ ખોલવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500