Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યા

  • May 02, 2025 

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર શુક્રવારે વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યા હતાં. શાહજહાંપુરના જલાલાબાદમાં બનાવવામાં આવેલા હવાઈ મથક પર રાફેલ, જેગુઆર, અને સુખોઈ જેવા ફાઈટર વિમાનો ઉતારવામાં આવ્યા છે. બપોરે 12.41 વાગ્યે વાયુસેનાનું AN-32 વિમાન લેન્ડ થયું હતું. વિમાને આશરે પાંચ મિનિટ સુધી ઉડાન ભરી હતી. ત્યારબાદ રન વે પર ઉતરાણ કરાવ્યું હતું. આશરે એક વાગ્યે આ વિમાન અહીંથી ટેક ઓફ થયા હતા. રન વે પર વાયુસેનાના હેલિકોપ્ટર પણ લેન્ડ થયા હતા. ગંગા એક્સપ્રેસવે પર આશરે દોઢ કલાક સુધી ફાઈટર વિમાનોનું હવાઈ પરીક્ષણ થયું હતું. ફાઈટર વિમાનોએ હવામાં કરતબ બતાવ્યા હતાં. રાત્રે પણ આ રન વે પર ફાઈટર વિમાનો લેન્ડ થશે. દેશના ઈતિહાસમાં પહેલી વાર કોઈ એક્સપ્રેસ વે પર ફાઈટર વિમાનોનું નાઈટ લેન્ડિંગ થશે.


કટરા-જલાલાબાદ હાઈવે આ લેન્ડિંગ દરમિયાન ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. વાયુસેનાના આ એર શૉનો ઉદ્દેશ યુદ્ધ તથા આપાતકાલીન સ્થિતિમાં એક્સપ્રેસ વેનો વૈકલ્પિક રન વે તરીકે ઉપયોગ કરવાનો છે. ગંગા એક્સપ્રેસવે દેશનો પ્રથમ રન વે છે, જ્યાં ફાઈટર વિમાન રાત-દિવસ બંને સમયે લેન્ડિંગ કરી શકશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી રન વેની બંને બાજુએ આશરે 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વાયુસેનાએ રન વેને પહેલાં જ પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ લીધો હતો.  દિવસ અને રાત્ર બંને સમયે લેન્ડિંગનું આયોજન કરવા પાછળનું ગણિત એર સ્ટ્રિપની નાઈટ લેન્ડિંગ ક્ષમતાઓનું પરિક્ષણ કરવાનું પણ છે. રન વે પર ફાઈટર વિમાનોના લેન્ડિંગ પહેલાં શાહજહાંપુરમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં એર શો સ્થગિત થયો હતો.


પરંતુ બાદમાં હવામાન અનુકૂળ થતાં લેન્ડિંગની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. શાહજહાંપુરમાં વાવાઝોડા સાથે મૂશળધાર વરસાદ પડ્યો હતો.  જેમાં રાફેલ આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને લાંબા અંતરની મિસાઇલથી સજ્જ, આ વિમાન દરેક હવામાનમાં કામગીરી કરવા સક્ષમ, SU-30 MKI ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત, આ ટ્વિન-સીટર ફાઇટર લાંબા અંતરના પ્રહાર કરવા સક્ષમ છે અને બ્રહ્મોસ જેવી મિસાઇલો ઉડાડી શકે છે, મિરાજ-2000 આ ફ્રેન્ચ મૂળનું વિમાન હાઇ-સ્પીડ ડીપ સ્ટ્રાઇક કરવા અને પરમાણુ સક્ષમ છે, મિગ-29 તે એક ફાઇટર એરક્રાફ્ટ છે જેમાં હાઇ સ્પીડ, હાઇ ફ્લાઇટ અને રડારથી બચવાની ક્ષમતા છે, જેગુઆર તે એક ચોકસાઇથી હુમલો કરતું ફાઈટર વિમાન છે.


જેનો ઉપયોગ જમીન પર હુમલો અને જહાજ વિરોધી મિશનમાં થાય છે, C-130J સુપર હર્ક્યુલસ આ ભારે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિશેષ દળોની તૈનાતી, આપત્તિ રાહત અને બચાવ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, AN-32 ઊંચાઈવાળા વિસ્તારોમાં માલસામાન અને સૈનિકોના પરિવહન માટે યોગ્ય ટ્રાન્સપોર્ટ જેટ, MI-17 V5 હેલિકોપ્ટર શોધ અને બચાવ, તબીબી સ્થળાંતર અને સહાય કામગીરી માટે જરૂરી બહુહેતુક હેલિકોપ્ટર, ગંગા એક્સપ્રેસ વે શાહજહાંપુર જિલ્લાના 44 ગામડાંમાંથી પસાર થાય છે. અહીં તેની લંબાઈ લગભગ 42 કિ.મી. છે. મોટાભાગના સ્થળોએ એક્સપ્રેસવેનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જલાલાબાદના પીરુ ગામ નજીક 3.5 કિ.મી. લાંબો રન વે બનાવવામાં આવ્યો છે, જ્યાં વાયુસેનાના ફાઇટર જેટ ફક્ત રાત્રે જ ઉતરી શકશે. 594 કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસ વે મેરઠથી હાપુર, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ સુધી બનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે નવેમ્બરમાં કામ પૂર્ણ થયા પછી, ગંગા એક્સપ્રેસ વે જનતા માટે ખુલ્લો મુકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application